કામ ચાલુ છે : સગરામપુરાના આ રસ્તાઓ આજથી 44 દિવસ માટે બંધ
સુરત (Surat) મહાનગર પાલિકા દ્વારા હાલમાં શહેરના કોટ વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની (Drainage) જૂની લાઇનને અપગ્રેડ(Upgrade) કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સૌથી વધુ કામગીરી ચાલી રહી છે. તેમાં પણ હાલમાં સગરામપુરામાં આજથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે આજથી માર્ચ 2023 સુધી એટલે કે કુલ 44 દિવસ માટે સગરામપુરા કૈલાશ નગર, ગરબા ચોકથી લાલવાડી થઈ ટપાલ મંડપ સુધી રસ્તા પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેથી હવે આ વિસ્તારમાં રહેતા અને અહીંથી પસાર થતા લોકોએ અન્ય રસ્તો અપનાવવો પડશે.સેન્ટ્રલ ઝોનના સગરામપુરા વિસ્તારમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઈન બદલવાની જરૂર ઉભી થતાં પાલિકા દ્વારા લાઈન બદલવાની કામગીરી આજથી શરુ કરવામા આવી છે.
કયા રસ્તાઓનો ઉપયોગ કરી શકાશે ?
જેના કારણે સગરામપુરા કૈલાશ નગર, ગરબા ચોકથી લાલવાડી થઈ ટપાલ મંડપ સુધી રસ્તા પર વાહન વ્યવહાર અને તમામ પ્રકારની અવર જવર આજથી 3 માર્ચ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કૈલાશનગર, ગરબા ચોકથી સગરામપુરા, લાલવાડી, ટપાલી મંડપ તરફ આવતા વાહનો અને રાહદારીઓ મહાદેવનગર થઈ ગરોડ થઈ સગરામપુરા ભારતી મૈયા હોસ્પિટલ થઈ લાલવાડી, ટપાલી મંડપ તરફ જઈ શકશે. આ ઉપરાંત કૈલાશનગર, ગરબાના ચોક થી સગરામપુરા, લાલવાડી, ટપાલી મંડપ તરફ જવા માટે વિજય વલ્લભ ચોક થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ ગોલકીવાડ થઈ સગરામપુરા લાલવાડી, ટપાલી મંડપ તરફ આ જતા રસ્તાનો પણ ઉપયોગ કરી શકાશે.
આવી જ રીતે સગરામપુરા, લાલવાડી ટપાલીમંડપથી કૈલાશનગર ગરબા ચોક તરફ જતા વાહનો અને રાહદારીઓ ભારતી મૈયા હોસ્પિટલ થઈ રીંગ રોડ થઈ મજુરાગેટ થઈ મહાદેવનગર થઈ કૈલાશનગર, ગરબાચોક તરફ જઈ શકશે. તદઉપરાંત સગરામપુરા, લાલવાડી, ટપાલી મંડપ થી કૈલાશનગર, ગરબા ચોક તરફ જવા માટે ગોલકીવાડ થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ વિજય વલ્લભ ચોક થઈ કૈલાસનગર, ગરબા ચોક તરફ જઈ કરો. તેમજ અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ પણ કરી શકશે. આ કામગીરી જે તે રસ્તા ભાગો પર પુરી થશે તેમ તેમ તેટલા ભાગોના રસ્તા નાગરિકોની સુવિધા માટે અંશતઃ રીતે ખુલ્લા કરવામાં આવશે. પાલિકા દ્વારા આજથી 3 માર્ચ સુધી આ રસ્તાઓને બંધ કરવામાં આવ્યો છે.