પાકિસ્તાનનો અબ્દુલ રહેમાન મક્કી “વૈશ્વિક આતંકવાદી” જાહેર
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સોમવારે પાકિસ્તાની (Pakistani) મૂળના ઉગ્રવાદી અબ્દુલ રહેમાન મક્કીને ‘વૈશ્વિક આતંકવાદી’ (Terrorist) જાહેર કર્યો છે. આ નિર્ણય UNSCની ISIL (Daesh) અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. ગયા વર્ષે ભારતે લશ્કર-એ-તૈયબાના ઉગ્રવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લાવ્યો હતો, પરંતુ ચીને તેને રોકી દીધો હતો. આ પછી ભારતે પણ ચીનને આકરી પ્રતિક્રિયા આપી છે.
અબ્દુલ રહેમાન મક્કી જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદનો સંબંધી છે, જે ભારતમાં 26 નવેમ્બર 2011ના ઉગ્રવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.
UNSC ISIL (Da’esh) and Al-Qaida Sanctions Committee list Pakistan-based terrorist Abdul Rehman Makki as a global terrorist. pic.twitter.com/ttgDAr5iRi
— ANI (@ANI) January 17, 2023
યુએન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, 16 જાન્યુઆરી, 2023 ના રોજ, સુરક્ષા પરિષદની ISIL (Daesh) અને અલ-કાયદા સમિતિએ વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં અબ્દુલ રહેમાન મક્કીનું નામ સામેલ કર્યું હતું. આના પરિણામે વિશ્વભરમાં મક્કીની સંપત્તિઓ ફ્રીઝ થઈ જશે, અને મુસાફરી સહિત મક્કી પરના અન્ય ઘણા પ્રતિબંધો લાગુ થઇ જશે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ભારત અને અમેરિકા પહેલા જ અબ્દુલ રહેમાન મક્કીને પોતપોતાના દેશોમાં ‘આતંકવાદી’ જાહેર કરી ચૂક્યા છે. મક્કી પર યુવાનોને ઉગ્રવાદ તરફ ઉશ્કેરવા, ભારતમાં હુમલાની યોજના બનાવવા, ગેરકાયદેસર ભંડોળ એકત્ર કરવા સહિતના અનેક આરોપો છે.