પાલતુ કૂતરો પાછળ પડતા હૈદરાબાદમાં સ્વીગી ડિલિવરી બોયનું ત્રીજા માળેથી પડી જતા મોત
હૈદરાબાદમાં(Hyderabad) બિલ્ડીંગના ત્રીજા માળેથી પડી જવાથી સ્વિગી (Swiggy) ડિલિવરી એજન્ટનું મોત થયું હતું. 23 વર્ષીય મોહમ્મદ રિઝવાન અહીં ભોજન પહોંચાડવા આવ્યો હતો અને તે જ સમયે એક પાલતુ કૂતરાએ તેનો પીછો કર્યો. જેના કારણે તે બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો. મળતી માહિતી મુજબ, મોહમ્મદ રિઝવાન 11 જાન્યુઆરીએ બંજારા હિલ્સ સ્થિત લુમ્બિની રોક કેસલ એપાર્ટમેન્ટમાં ફૂડ ડિલિવરી કરવા આવ્યો હતો. અહીં ગ્રાહકનો પાલતુ જર્મન શેફર્ડ તેની પાછળ દોડવા લાગ્યો. જેના કારણે તે નીચે પડી ગયો હતો અને રવિવારે તેનું મોત થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે રિઝવાન ગ્રાહકના દરવાજે પહોંચ્યો ત્યારે કૂતરાએ તેના પર હુમલો માર્યો. શ્વાનથી ભાગતી વખતે રિઝવાને રેલિંગ પર કૂદવાનો પ્રયાસ કર્યો હતો. પણ લપસીને પડી ગયો. જેના કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. કૂતરાના માલિકે તેને નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કર્યો હતો.