Surat: સ્મીમેર હોસ્પીટલમાં બિંદાસ્ત રખડતા શ્વાન સામે હોસ્પિટલની લાલિયાવાડી
સુરત મનપા સંચાલિત સ્મીમેરના હોસ્પિટલ બેદરકારીને કારણે અનેક વખત ચર્ચામાં આવે છે અને જેને લઇ વિવાદોનું કોકડું હંમેશા ગુચવાયેલું રહે છે. ડોક્ટર સાથેની રેગિંગ અને આરોપી ભાગી જવાની ઘટના બાદ હવે હોસ્પિટલમાં કુતરો ઘૂસી આવતા હોસ્પિટલની સિક્યોરિટી સામે સવાલો ઊભા થયા છે.ત્યારે સવાલ અહી એ ઉભો થાય છે કે જો શ્વાન કોઈ બાળક કે દર્દીને બચકા ભરે તો જવાબદાર કોણ?
સુરતની મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં ગુજરાત ભરમાંથી દર્દીઓ અને તેમના પરિવાર મળી હજારો લોકો આવતા હોય છે. ત્યારે હાલમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં રાત્રીના સમયે બાળકોના વોર્ડ તથા ગાયનેક વોર્ડ પાસે શ્વાન ઘૂસી આવ્યો હતો. કોઈ દર્દીના સબંધીએ આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. આ વિડીયો વાયરલ થતાં હોસ્પિટલને બેદરકારી છતી થઈ છે
હોસ્પિટલ માંથી ઉતારવામાં આવેલા અને વાઇરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે સ્મીમેર હોસ્પિટલની અંદર શ્વાન બિન્દાસપણે આંટાફેરા મારી રહ્યું છે. અને તે નવજાત શિશુ ઓના આઈ સી યુ તેમજ પીઆઇસિયુ અને ગાયનેક વોર્ડ પાસે ફરતું દેખાઈ રહ્યું છે. આ દરમિયાન અહીં નાના બાળક રમી રહ્યા છે અને કેટલાક લોકો પણ હાજર છે. જોકે સદનસીબે સ્વાને કોઈ બાળકને નુકસાન પહોંચાડ્યું નથી.
સ્મીમેર હોસ્પિટલમાં સિક્યુરીટી પેટે લાખો રૂપિયા ચુકવવામાં આવે છે તેમ છતાં આટલી મોટી બેદરકારી કેમ ? જો શ્વાન અહી કોઈને બચકાં ભરે તો જવાબદાર કોણ ? જો શ્વાન આવી રીતે બિન્દાસપણે હોસ્પિટલમાં ફરી શકતો હોય તો સિક્યુરીટી ગાર્ડ કે સ્મીમેર હોસ્પિટલનું તંત્ર શું કરી રહ્યું છે ? તે એક મોટો સવાલ છે.