Surat : પાંડેસરા પ્રમુખ પાર્ક બ્રિજ નીચે ટ્રેક ઉપરથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી.
ડિંડોલી પોલીસ મથકની હદમાં આવેલા પાંડેસરા પ્રમુખ પાર્ક બ્રિજ નીચે અર્ધી રાત્રે રેલ્વે ટ્રેક ઉપર બે પાટા વચ્ચેથી એક અજાણયા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઈ હતી.ઘટના સ્થળે પહોંચેલી ડિંડોલી પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.એટલું જ નહીં અજાણયા યુકની હત્યા કર્યા બાદ આરોપી દ્વારા તેને અકસ્માતમાં ખપાવવાના ઇરાદે લાશને રેલ્વે ટ્રેક ઉપર ફેંકી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રે અઢી વાગ્યાના સુમારે પાંડેસરા પ્રમુખ પાર્ક બ્રિજ નીચે, ઉધના-મુંબઈ અપ રેલવે ટ્રેક લાઈન ઉપર, કી.મી. નં. 260/7 પાસે રેલ્વે ટ્રેક ઉપર બે પાટા વચ્ચેથી અજાણયા યુવક (ઉ.વ.25-30 ) ની લાશ મળી આવી હતી.બનાવ અંગે જાણ કરવામાં આવતા ડિંડોલી પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.પોલીસે સ્થળ ઉપર તપાસ કર્યા બાદ લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતું..
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે અજાણયા આરોપીએ યુવકના માથામાં,ગળા સહીત શરીરના અલગ અલગ ભાગોમાં કોઈ હથિયાર વડે મલ્ટીપલ ઈજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે અને ત્યાર બાદ હત્યાના બનાવને અકસ્માતમા ખપાવવાના ઈરાદે લાશને રેલ્વે ટ્રેક ઉપર બે પાટા વચ્ચે ફેંકી દેવામાં આવી છે.હાલમાં યુવકની ઓળખની દિશામાં તપાસ કરવાની સાથે આરોપીની પણ તપાસ ચાલી રહી છે.હત્યા કોણે અને કયા કારણસર કરવામાં આવી છે તે મૃતકની ઓળખ થયા બાદ તેમજ આરોપી પકડાયા બાદ જ સ્પષ્ટ થશે.