સુરત કોર્પોરેશન હવે બાળકોમાં રોડ સેફટી સેન્સ વિકસાવવા બનાવશે કિડ્સ સીટી
શહેરવાસીઓની ટ્રાફિક (Traffic ) સેન્સિબિલિટી પર હંમેશા સવાલ ઉઠ્યા છે. શહેરમાં (Surat ) ટ્રાફિકની વધતી જતી સમસ્યાની સાથે માર્ગ અકસ્માતના કિસ્સાઓ પણ વધ્યા છે. આવા સંજોગોમાં બાળકોને નાનપણથી જ ટ્રાફિક નિયમોનું જ્ઞાન આપવા માટે મહાનગરપાલિકા દ્વારા મજુરા વિસ્તારમાં રોડ સેફ્ટી એન્ડ એજ્યુકેશન ફન પાર્ક ‘કિડ્સ સિટી’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં બાળકોને મનોરંજનની સાથે ટ્રાફિકના પાઠ ભણાવવામાં આવશે.
આ કિડ્સ સીટી અઠવા ઝોન વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 9 ફાઇનલ પ્લોટ નંબર 186ના 4240 ચોરસ મીટરમાં બનાવવામાં આવી રહ્યું છે. બે તબક્કામાં પૂર્ણ થનાર પ્રોજેક્ટ માટે રૂ. 10.27 કરોડનો ખર્ચ થશે. વિવિધ પ્રવૃત્તિઓ અને મનોરંજન માટે જરૂરી ઈન્ટિરિયર માટે રૂ. 8 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે.
કાર અને સાયકલ ટ્રેક બનાવવામાં આવશે :
કિડ્સ સિટીમાં વિવિધ ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યા છે. સાથે જ બહારની બાજુએ કાર અને સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવશે. ટ્રેક પર ઝેબ્રા ક્રોસિંગ, સિગ્નલ સહિતના ટ્રાફિક નિયમોના બોર્ડ લગાવવામાં આવશે. અહીં બાળકો માટે પેડલ કાર, ઈલેક્ટ્રિક કાર, સ્કૂટર અને સાઈકલ રાખવામાં આવશે, જેથી મનોરંજનની સાથે બાળકો ટ્રાફિકના નિયમોથી પણ વાકેફ થાય.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલા કિડ્સ સિટીમાં ટ્રાફિક અને રોડ સેફ્ટીની માહિતી માટે બે કેટેગરીમાં પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ માટે 4 થી 10 વર્ષ અને 11 થી 14 વર્ષ માટે અલગ એક્ટિવિટી ઝોન બનાવવામાં આવશે. ટ્રાફિકની સાથે સાથે જનરલ નોલેજ વધે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ માટે ફાયર સ્ટેશન, રેડિયો સ્ટેશન, સ્પોર્ટ્સ રૂમ, જ્યોતિષ રૂમ, ચોકલેટ ફેક્ટરી, ટેક્સ ઓફિસ, અંધારામાં વિઝન, રિટેલ સ્ટોર અને એનસીસી ટ્રેનિંગ રૂમ હશે.