Morbi Update : એક બાળકી સહીત ત્રણ હજી પણ લાપતા, સુરત ફાયર વિભાગની ટિમ દ્વારા સતત ત્રીજા દિવસે સઘન કામગીરી
હાલ રાજ્યની અલગ – અલગ મહાનગર પાલિકા અને પાલિકાના 225 જેટલા ફાયર વિભાગના જવાનો દ્વારા 40 બોટ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર મોરબી(Morbi ) ઝુલતા પુલ હોનારત પ્રકરણમાં બચાવ અને રાહત માટે પહોંચેલી સુરત (Surat ) મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે સતત બીજા દિવસે પણ કામગીરીમાં જોતરાયેલી હતી. દુર્ઘટનાને પગલે ઝુલતા પુલનો જે રોપ નદીમાં ગરકાવ થઈ ગયો છે તેને હાલ બહાર કાઢવાની સાથે – સાથે ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે જળકુંભીને પણ દુર કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી હોનારતમાં સુરત ફાયરના જવાનો સાથે પહોંચેલા ડિવીઝનલ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે હોનારત બાદથી જ અલગ – અલગ ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક બચાવ અને રાહતની કામગીરી આજે પણ યથાવત્ રહેવા પામી છે. હાલ એક મહિલા અને પુરૂષ સહિત એક બાળકી લાપતા હોવાને કારણે તેઓની સઘન શોધખોળ સાથે નદીમાં ગરકાવ થયેલા ઝુલતા બ્રિજના રોપને પણ બહાર કાઢવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
જળકુંભી દૂર કરવાનું અભિયાન હાથ ધરાશે :
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યની અલગ – અલગ મહાનગર પાલિકા અને પાલિકાના 225 જેટલા ફાયર વિભાગના જવાનો દ્વારા 40 બોટ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ એનડીઆરએફ અને એસડીઆરએફના પણ 55 જવાનો દ્વારા પણ દુર્ઘટનાનો ભોગ બનેલા નાગરિકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારથી જ દુર્ઘટના સ્થળે એકઠી થયેલી જળકુંભીને દુર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને સંભવતઃ સાંજ સુધી આ કામગીરી પૂર્ણ થયા બાદ નદીમાં ગરકાવ થયેલા નાગરિકોની શોધખોળની અંતિમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે.