ભરૂચ અંકલેશ્વર વચ્ચે ઓવરહેડ વાયર તૂટતાં મુસાફરોને પડી ભારે હાલાકી
મુસાફરોને મોડી રાતથી સ્ટેશન પર જ સર સામાન સાથે સ્ટેશન પર જ અટવાવાનો વારો આવ્યો હતો. કેટલાક મુસાફરોએ પરિવાર સાથે આખી રાત પ્લેટફોર્મ પર જ વિતાવવી પડી હતી.
વેકેશનના (Vacation ) અંતિમ દિવસો ચાલી રહ્યા છે. કેટલાક લોકો વતન જઇ રહ્યા છે, તો કેટલાક લોકો હવે વતનથી પરત ફરી રહ્યા છે, તેવા સમયે ભરૂચ(Bharuch ) અંકલેશ્વર વચ્ચે રેલવે ઓવરહેડ વાયર તૂટતાં લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. મોડી રાતથી જ પોતાના ગંતવ્ય સ્થાને જવા નીકળેલા લોકોને રેલવે સ્ટેશન પર જ અટવાવાનો વારો આવ્યો હતો.
રેલવેએ સમારકામની કામગીરી હાથ ધરી :
વધુમાં મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર – ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા મુખ્ય ડાઉન લાઈન મુંબઈ-અમદાવાદ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર 2.30 કલાકથી ઠપ થઈ ગયો હતો. ખાસ કરીને દિવાળીના તહેવારો અને વેકેશન વચ્ચે જ સોમવારે રાતે 8 કલાકે અંકલેશ્વર – ભરૂચ રેલવે સેક્શન વચ્ચે 25000 વોટનો ઓવર હેડ કેબલ તૂટી પડ્યો હતો. જેના પરિણામે ડાઉન લાઈનનો ટ્રેન વ્યવહાર સ્થગિત થઈ ગયો છે. ટ્રેન નંબર 12989 દાદર-અજમેર સુપરફાસ્ટ ટ્રેનના ગાર્ડે 7 કલાક અને 58 મિનિટે OHE કેબલ બ્રેક થયો હોવાની જાણકારી આપતા પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના સ્ટાફ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી. .
ઘટનાને લઈ મુંબઈ તરફથી અમદાવાદ અને દિલ્હી જતો ટ્રેન વ્યવહાર અટકી જતા ભરૂચ ખાતે તેજસ એક્સપ્રેસને અઢી કલાકથી અટકાવી રાખવામાં આવ્યો હતો. વડોદરા ડિવિઝન અને ભરૂચ અંકલેશ્વર દ્વારા OHE વાન સાથે મેઇન્ટેનન્સ કાફલાને મોકલી તૂટી ગયેલા ઓવરહેડ કેબલના સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે તેના કારણે મુંબઈ તરફથી આવતી અને વડોદરા દિલ્હી , અમદાવાદ જતી રાતની 38 જેટલી ટ્રેનો તેના સમય કરતાં વિલંબિત થવાની રેલવે એ શકયતા વ્યક્ત કરી છે.
હજારો મુસાફરોને પ્લેટફોર્મ પર જ વિતાવવો પડ્યો સમય :
મુખ્ય ડાઉન લાઈનમાં 38 જેટલી ટ્રેનોને અસર થઇ હતી અને તેના લીધે 35 હજારથી વધુ મુસાફરોને વેકેશનમાં મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ઓવરહેડ વાયર તૂટવાના કારણે અસંખ્ય ટ્રેનોના સમય પર તેની અસર જોવા મળી હતી. અને તેના કારણે મુસાફરોને મોડી રાતથી સ્ટેશન પર જ સર સામાન સાથે સ્ટેશન પર જ અટવાવાનો વારો આવ્યો હતો. કેટલાક મુસાફરોએ પરિવાર સાથે આખી રાત પ્લેટફોર્મ પર જ વિતાવવી પડી હતી.
આ રહ્યો વિડીયો :