સુરત અને ગુજરાતનું ગૌરવ: ફેમિન ગજેરાનો UPSC દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પરિક્ષામાં ભારતમાં ચોથો રેન્ક
સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે યુપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ(CAPF)ની પરિક્ષામાં સુરતના પાટીદાર યુવક ફેમિન ગજેરાએ ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે. જ્યારે ફેમિન ગજેરા ગુજરાતમાંથી માત્ર એક જ આ પરિક્ષામાં પાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. ફેમિને તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ થોડો સમય બ્રેક પણ લીધો હતો. ત્યારબાદ મનોબળ ભેગું કરીને આગળ વધ્યો હતો. જોકે, પહેલા પ્રયાસમાં તેને નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી બતાવ્યા છે.
અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં બીજા સંતાન તરીકે ફેમિન ગજેરાનો 1999માં જન્મ થયો હતો. પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા. હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે. ફેમીને અભ્યાસ સુરતમાં કર્યો હતો. રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. 2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી.
ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું છે. 2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી. કોરોના મહામારી સમયે 6 મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી. ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.
2019માં સિવિલ સર્વિસિસની તૈયારીઓ ચાલું કરી હતી. તે સમયે જ મારી બહેન દુખદ અવસાન થયું હતું. ઘર પર પણ ઘણા સંકટ હતા તો થોડો સમય ડિસ્ટર્બન્સ આવ્યું હતું મારા માટે. કેમ કે ઘરની જવાબદારીઓ અને તેના પછી તરત જ કોરોના મહામારી આવી ગઈ હતી. જેથી સંકટ બે ગણા જેવું થઈ ગયું હતું. જેથી તૈયારીઓમાં થોડો વિરામ પણ આપ્યો હતો. ફરી મનોબળ ભેગું કરી તમામ ધ્યાન પરિક્ષાની તૈયારીમાં આપ્યું હતું.
મારી બહેનનું મૃત્યુ 2019માં તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો તેમાં ગજેરા ગ્રિષ્મા હતા તે મારા મોટા બહેન હતા. અમારા બંનેનો સંબંધ ભાઈ બહેન જેવો હોય તેવો જ હતો. ઝઘડો અને પ્રેમ બંને વધુ હતો. એ બધુ એક્સપ્રેસ ન થાય પણ ઝઘડો વધુ દેખાતો હતો. મારી દીકરીના મૃત્યુ બાદ જ્યારે કોઈ પણ પરિવારને કોર્ટમાં જવાનું થાય ત્યારે ખબર પડે કે કોર્ટ કચેરીના ધક્કા ઘણા મુશ્કેલ હોય છે. તે તમને આર્થિક અને સામાજિક રીતે ઘણો ધક્કો આપતા હોય છે.
મારા પિતા જયસુખભાઈ ગજેરા તેમની ઘણી હિંમત છે કે તેમણે આ બાબતે લડત ચલાવી રહ્યા છે. તેમની જ મને પ્રેરણા છે કે મારા જીવનમાં મને આગળ વધવાનું ઈસ્પિરેશન મળી જતું હતું. જો મારા પિતા આટલી મહેનત કરે છે તો તેમનાથી મારે વધુ મહેનત કરવાની છે. આ બધાની વચ્ચે 2021માં સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.
સિવિલ સર્વિસિસની ઓનલાઈન તૈયારી દરમિયાન યુપીએસસી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પરિક્ષા લે છે તે અંગે જાણ થઈ હતી. આ મામલે મે તૈયારીઓ શરૂ કરી હતી. પહેલી પરિક્ષામાં હું ઈન્ટર્વ્યૂ સુધી પહોંચી ગયો હતો. જોકે, આ પરિક્ષાની મને સંપૂર્ણ માહિતી ન હતી. આપણે જે ક્ષેત્ર ગુજરાતમાંથી આવીએ છીએ તેને એટલું ગાઈડન્સ નથી. જેના લીધે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજા પ્રયાસમાં પુરી તૈયારી કરી હતી.
બીજા પ્રયાસમાં પુરી તૈયારી સાથે હું આગળ વધ્યો હતો અને ભારતમાં ચોથા ક્રમે આવ્યો છું. આ સફળતા માતા પિતા અને મારા શુભ ચિંતકોનો ફાળો રહ્યો છે. આ પરિક્ષા માટે વિદ્યાર્થી જીવનમાં એક ડિસિપ્લીન હોવું જોઈએ. પરિક્ષા ન હોય ત્યારે ટાઈમ ટેબલ બનાવી છથી સાત કલાક તમે વાંચી શકો છે. જોકે, જ્યારે પરિક્ષા નજીક આવી જાય ત્યારે રિવિઝન કરવાનું હોય ત્યારે આ કલાકો વધી જતા હોય છે અને 12થી 13 કલાક સુધી પહોંચી જતા હોય છે.પરિક્ષાની તૈયારીમાં ડિસિપ્લીન હોવાનું જરૂરી હોય છે.
પરિક્ષાની તૈયારી દરમિયાન સોશિયલ મીડિયાથી એકદમ દૂર રહ્યો હતો. ફેસબૂક, ઈન્સ્ટા જેવી સોશિયલ સાઈટનો હું ઉપયોગ કરતો નથી. સાથે જ મારો શોખ છે કે માઉન્ટેન પર ટ્રેકિંગ કરવા જવું. હું એક ઓર્ગેનાઈઝેન સાથે ગાઈડ તરીકે જોડાયેલો પણ હતો. જોકે, જ્યારે સમય મળે ત્યારે જ હું ટ્રેકિંગ પર જતો હતો. બાકી તમામ સમય મારો પરિક્ષાની તૈયારીમાં જ રહેતો હતો.
ફેમિને બે વર્ષમાં સુરત અને અમદાવાદ સરદારધામમાં રહીને તૈયારી કરી હતી. જેમાં મે બંને દિલ્હી ખાતે ચાલતી કોચિંગના ઓનલાઈન કલાસ પણ કર્યા હતા. સિવિલ સર્વિસના પરીક્ષાની પહેલા અટેમ્પના ફેલ્યોર બાદ મે 1 વર્ષ પોલીસે ઓર્મ્ડ પોલીસ ફોર્સની તૈયારી માટે આપી દીધું હતું. તૈયારી માટે એનસીઈઆરટીની બેઝિક બુક વાંચવી ખુબ જરૂરી છે.
યુપીએસસી દ્વારા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પરિક્ષા અંગેનું નોટિફિકેશન એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવે છે. જ્યારે પરિક્ષા ઓગસ્ટના પહેલા વિકમાં લેવામાં આવે છે. જેમાં એમસીક્યુ અને લેખન બંને એક જ દિવસે હોય છે. આ પરિક્ષા અંદાજિત 2 લાખ જેટલા યુવાનો દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ જેને સિલેક્ટ કરવામાં આવે તેને ફિઝિકલ અને મેડિકલ એકઝામિનેશન માટે જાય છે.
ફિઝિકલ અને મેડિકલ એક્ઝામિનેશનમાં દોડવું, કૂંદવું, ગોળા ફેંક આવે છે. આ સાથે મેડિકલ એક્ઝામિનેશનમાં આર્મી સ્તરનું એક્ઝામિનેશન થાય છે. જેમાં માથાથી પગના તળીયા સુધી આખું શરીર ચેક કરે છે. આ એક્ઝામિનેશનમાં જે પાસ થાય તેને ઈન્ટર્વ્યૂ માટે કોલ આવે છે. ઈન્ટર્વ્યૂ બાદ ફાયનલ મેરિટમાં નામ આવે છે. ગુજરાતમાંથી ઓછા વિદ્યાર્થીઓ હોય છે.
ગુજરાતમાંથી ફિઝિકલ ટેસ્ટ માટે 10થી 12 જેટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા. ઈન્ટર્વ્યૂ સુધી ચાર વિદ્યાર્થી જ પહોંચી શક્યા હતા. જ્યારે અંતે ગુજરાતમાં હું એક જ આ મેરિટમાં આવ્યો છું. આ સાથે જ મારો ભારતમાં ચોથો રેન્ક છે.
સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં ફિઝિકલ ટેસ્ટ માટે યોગ્ય ફિટનેસ હોવી ખૂબ જ જરૂરી છે. તે માટે મે પોતાની બોડી ઉપર પણ મહેનત કરી હતી. સાથે જ લોંગ જમ્પની તૈયારી કરવા આપણે ત્યાં કોઈ મેદાન મળતું ન હતું તો મે અને મારા મિત્રે મળીને રેતીથી જગ્યા તૈયાર કરી લોંગ જમ્પની પ્રેક્ટિસ કરી હતી. દેશભરમાં મારો ચોથો રેન્ક છે તેથી મને આશા છે કે મને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ અલોકેટ થશે.
સીએપીએફની આ પરીક્ષા ઘણી જ અઘરી હોય છે. આઈએએસ અને આઈપીએસની જેમ જ આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પ્રીલિમ અને સાથે સાથે ફીઝિકલ ટેસ્ટ પણ ઘણી અઘરી હોય છે. તે પાસ કર્યા બાદ મેડિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યુમાંથી પાસ થવાના ચક્રવ્યુહ વિંધવાના હોય છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ સીઆઇએસએફ, બીએસએફ, સીઆરપીએફ, આઇટીબીપી, એસએસએનબીમાંથી જેમાં પસંદ હોય તેમાં ઉમેદવારને આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ આપવામાં આવે છે. આ પોસ્ટમાં સેલેરી આઈપીએસ કરતાં પણ વધારે હોય છે.
આ સીએપીએફની એકઝામ 24 વર્ષની ઉમર પછી આપી શકાતી નથી. તેથી ગુજરાતમાં તેનો ક્રેઝ નથી પરંતુ ઉતર ભારત અને દક્ષિણ ભારતમાં આ કેડરમાં જવા માટે યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે. બહેનનના કરુણ મોત બાદ તેના પિતા જે રીતે સીસ્ટમ સામે લડી રહ્યા છે તેથી તેનો રસ આ સીસ્ટમમા ભાગ લઇને દેશ અને લોકોને મદદ કરવાનો છે.
ફેમિન આ રિઝલ્ટ આવ્યું ત્યારે દિલ્હી હતો અને ત્યાંથી સુરત પરત ફરતા માતા દ્વારા આખા ઘરને શણગારવામાં આવ્યું હતું. આ સાથે જ ફેમિન સુરત ધરે પરત ફરતા પરિવારજનો સાથે સોસાયટીના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઘરમાં પ્રવેશ સાથે કંકુ પગલાં પણ કરાવ્યા હતા.