IND vs AUS: મુકેશ કુમારની વિનાશક બોલિંગ, ભારતે ઓસ્ટ્રેલિયાને છ રને હરાવ્યું, 4-1થી જીતી શ્રેણી
પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 160 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે સૌથી વધુ 53 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 154 રન જ બનાવી શકી હતી. તેના માટે બેન મેકડર્મોટે સૌથી વધુ 54 રન બનાવ્યા હતા.
India vs Australia, 5th T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20I શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતે શ્રેયસ અય્યરની શાનદાર અડધી સદી બાદ ઝડપી બોલર મુકેશ કુમારની વિનાશક બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાને છ રને હરાવ્યું હતું. આ સાથે ભારતે શ્રેણી 4-1થી જીતી લીધી છે.
આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયા સામે 161 રનનો સાધારણ ટાર્ગેટ આપ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે કાંગારૂ ટીમ આ લક્ષ્યને સરળતાથી હાંસલ કરશે. પરંતુ ફાસ્ટ બોલર મુકેશ કુમારની સામે ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 154 રન જ બનાવી શકી હતી. મુકેશે ચાર ઓવરમાં 32 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી અને ભારતને જીત અપાવી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી બેન મેકડર્મોટે સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. તેના સિવાય ટ્રેવિસ હેડે 28 રન અને મેથ્યુ વેડે 22 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેન સિવાય કોઈ બેટ્સમેન 20 રનના આંકડાને સ્પર્શી શક્યો નહોતો. ટિમ ડેવિડે 17 અને મેથ્યુ શોર્ટે 16 રન બનાવ્યા હતા. એરોન હાર્ડીએ છ રન અને જોશ ફિલિપ્સે માત્ર ચાર રન બનાવ્યા હતા. ભારત તરફથી મુકેશ કુમાર ઉપરાંત અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈને બે-બે વિકેટ મળી હતી. અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.
આ પહેલા ભારતે 20 ઓવરમાં આઠ વિકેટે 160 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 37 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે તેની T20 કારકિર્દીની આઠમી અર્ધશતક ફટકારી ભારતને ઓસ્ટ્રેલિયા સામે સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું.
અય્યર સિવાય અક્ષર પટેલે 21 બોલમાં 31 રન બનાવ્યા હતા. જીતેશ શર્માએ 16 બોલમાં 24 અને યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 21 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 10, રિંકુ સિંહે 6, સૂર્યકુમાર યાદવે 5 અને રવિ બિશ્નોઈએ 2 રન બનાવ્યા હતા. અર્શદીપ 2 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરનડોર્ફ અને બેન ડોર્સિસે બે-બે વિકેટ લીધી હતી. એરોન હાર્ડી, નાથન એલિસ અને તનવીર સંઘાને એક-એક સફળતા મળી હતી.