માતાપિતા ધ્યાન રાખે : કામરેજમાં મોબાઈલ જોતા જોતા 4 વર્ષનો બાળક હાઇવે સુધી પહોંચી ગયો
સુરતમાં (Surat) માસુમ બાળકની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ચોંકાવનારી ઘટનામાં ચાર વર્ષનો બાળક મોબાઈલ ફોન પર રમતા રમતા કામરેજ ચારરસ્તા પાસે પહોંચ્યો હતો અને પરિવારના સભ્યો અજાણ રહ્યા હતા. પોલીસે કામરેજ ચારરસ્તા પાસે એક ત્યજી દેવાયેલ માસુમ બાળકને રોડ ક્રોસ કરતા જોયો હતો અને બાળકને રોડની બાજુમાં લઈ જઈ પરિવારને મોબાઈલ ફોન કર્યો હતો. કામરેજ પોલીસની પ્રશંસનીય કામગીરીનો સીસીટીવી વિડીયો પણ સામે આવતા ચારે બાજુથી અભિનંદનનો વરસાદ વરસ્યો હતો.
સ્થાનિક લોકોએ કહ્યું કે આને માતા-પિતા માટે સાવધાનીની વાત કહી શકાય. કામરેજની રત્નાપુરી સોસાયટીમાં રવિવારે એક પરિવારમાં મહેમાન બનીને આવેલ બાળક મોબાઈલ ફોન લઈને ઘરની બહાર નીકળી ગયો હતો. નવાઈની વાત એ હતી કે આખા પરિવારને આ વાતની જાણ નહોતી. બાળક મોબાઈલ ફોન સાથે રમી રહ્યો હતો ત્યારે નેશનલ હાઈવે કામરેજ ચોકડી પાસે પહોંચ્યો હતો. પોલીસે દોડીને રોડ ક્રોસ કરી રહેલા ચાર વર્ષના માસૂમ બાળકને બચાવ્યો હતો.
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે બાળકના હાથમાં રહેલા મોબાઈલ ફોનથી પોલીસને બાળકના પરિવારનો સંપર્ક કરવામાં પણ મદદ મળી હતી. પોલીસે બાળકની માતાને પણ બોલાવી જરૂરી સૂચનાઓ આપી હતી. પોલીસની સતર્કતાના કારણે બાળક સલામત રીતે પરિવારને પરત મળ્યું હતું. આ માટે પરિવારે પોલીસનો આભાર માન્યો હતો. હાલમાં મોબાઈલ ફોન લઈને જતા બાળકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાળક મોબાઈલ ફોનમાં ખોવાઈને ઘરની બહાર જઈ રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.