૨૯ વર્ષીય ઝવેર કુંવરના અંગદાનથી ૭ વ્યક્તિને નવજીવન, સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ૪૬માં હૃદય અને ફેફસાના દાનની ૧૮મી ઘટના

સુરત થી વધુ એક અંગદાન, આદિવાસી સમાજના ૨૯ વર્ષીય ઝવેર કુંવરના અંગદાનથી ૭ વ્યક્તિને નવજીવન, સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ૪૬માં હૃદય અને ફેફસાના દાનની ૧૮મી ઘટના
હીરા નગરી, ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગેન ડોનર સીટી તરીકે પણ ખ્યાતી પામી રહ્યું છે. સુરત થી વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કિરણ હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું છે. આદિવાસી સમાજના ૨૯ વર્ષીય ઝવેર કાકડભાઈ કુંવર ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી ઝવેરના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના દુંદ ફળિયા પ્રાથમિક શાળા પાસે રહેતા અને વાપીમાં આવેલ બાયર કંપનીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ઝવેર કાકડભાઈ કુંવર [ઉ.૨૯] તા. ૧૨ મે ના રોજ ધરમપુર તાલુકામાં આવેલ ખામદાહાડ ગામે લગ્ન પ્રસંગ માં ગયો હતો લગ્ન પ્રસંગ માંથી રાત્રે ૧:૩૦ કલાકે પોતાના ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે આંબાતલાટ થી હનમતમાળ ગામ તરફ જતા રોડ ઉપર પોતાના બાઈકમાં પેટ્રોલ ખલાસ થઇ જતા, પોતાની બાઈક સાઈડ પર મુકીને રસ્તા પર ઉભો હતો, ત્યારે એક અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ ગઈ હતી અને તે બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક ૧૦૮ એમ્બુલન્સમાં ધરમપુરમાં આવેલ હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી જ્યાં નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. અને બાદમાં વધુ સારવાર માટે તા. ૧૪ મે ના રોજ રાત્રે ૧૦ કલાકે સુરતની કિરણ હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી જ્યાં ફરી એક વખત CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો અને સોજો હોવાનુ નિદાન થયું હતું. જ્યાં તબીબોની ટીમે ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દુર કર્યો હતો. અને ૧૫ મે ના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અપેક્ષા પારેખ, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે ઝવેરને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.
ડૉ. મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી ઝવેરના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલની સાથે રહી ઝવેરના પિતા કાકડભાઈ, બનેવી વિનોદભાઈ, કાકા કાળુભાઈ, બાપી ગામના આગેવાન ભરતભાઈ, સાળી કુંજનાને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
ઝવેરના પિતા અને પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે અમે વર્તમાન પત્રોમાં અને ડોનેટ લાઈફની યુટ્યુબ ચેનલ પર અંગદાનના સમાચારો જોતા હતા ત્યારે અમને થતું હતું કે, આ એક ઈશ્વરીય કાર્ય છે, મૃત્યુ પામ્યા પછી શરીર તો રાખ જ થઇ જવાનું છે, તેના કરતા અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ કોઈ દાન ન હોય શકે. એમ કહી તેઓએ પુત્ર ઝવેરના અંગદાન કરવાની સંમતી આપી. ઝવેરના પરિવારમાં તેના પિતા કાકડભાઈ ખેતી કરે છે, માતા રમીલાબેન અને પત્ની દિપીકા ગૃહિણી છે. તેને એક પુત્ર અને બે પુત્રી છે. એક પુત્ર અક્ષય ઉ.વ ૭ બોપીમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ ૩માં અભ્યાસ કરે છે, બે પુત્રીઓ પૈકી એક પુત્રી વિભૂતી ઉ.વ. ૫ બોપીમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ ૧માં અભ્યાસ કરે છે અને બીજી પુત્રી નિકિતા ઉ.વ ૩ છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની U.N મહેતા હોસ્પીટલને, ફેફસાં અમદાવાદની K.D હોસ્પિટલને, લિવર અને કિડની સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા છે. હૃદયનું દાન અમદાવાદની U.N મહેતા હોસ્પિટલના ડૉ. આશિષ મડાઈકર, ડૉ. સાગર સંહિતા, ડૉ. હેમાંગ ગાંધી, ડૉ. પ્રતિક શાહ અને તેમની ટીમે, ફેફસાનું દાન અમદાવાદની K.D હોસ્પિટલના ડૉ. મહેશ, ડૉ. મોઈઝ લાલાની, ડૉ. પ્રદિપ ડાભી, નિખિલ વ્યાસ અને તેમની ટીમે, લિવરનું દાન કિરણ હોસ્પીટલના ડૉ. પ્રશાંત રાવ, ડૉ. મિતુલ શાહ, કિડનીનું દાન ડૉ. જીગ્નેશ ઘેવરીયા
ડૉ. કલ્પેશ ગોહિલ, ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મુકેશ આહિર અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન કિરણ હોસ્પિટલના ડૉ. સંકિત શાહે સ્વીકાર્યું હતું.
સુરતની કિરણ હોસ્પિટલ થી અમદાવાદનું ૨૬૬ કિલોમીટરનું અંતર ૯૦ મીનીટમાં હવાઈ માર્ગે કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ હિંમતનગર, સાબરકાંઠાના રહેવાસી, ઉ.વ. ૨૮ વર્ષીય યુવકમાં અમદાવાદની U.N મહેતા હોસ્પીટલમાં ડૉ. ચિરાગ દોશી અને તેમની ટીમ દ્વારા, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ રાજસ્થાનના રહેવાસી, ઉ.વ. ૫૯ વ્યક્તિમાં અમદાવાદની K.D હોસ્પિટલમાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ઉ.વ ૬૨ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. પ્રશાંત રાવ અને તેમની ટીમ દ્વારા, દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી, ઉ.વ. ૫૧ વ્યક્તિમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી, ઉ.વ.૪૨ વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે.
હૃદય અને ફેફસા સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે કિરણ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગને સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૯૭ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
સુરત થી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ છેતાળીસમી અને ફેફસાના દાન કરાવવાની અઢારમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૧૩૦ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૬૮ કિડની, ૨૦૧ લિવર, ૪૬ હૃદય, ૩૬ ફેફસાં, ૮ પેન્ક્રીઆસ, ૪ હાથ, ૧ નાનું આતરડું અને ૩૬૬ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૦૩૭ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.