સુરત કોર્પોરેશનની દબાણ ખાતાની 24 ટીમ 24 કલાકમાં ફક્ત 73 ઢોર પકડી શકી
રખડતા ઢોર(Stray Cattles) અંગે કોર્ટના કડક વલણ બાદ મુખ્યમંત્રીએ (CM) જાતે સોમવારે વિડિયો કોન્ફરન્સ કરીને તમામ મનપા (SMC) કમિશનરોને રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેથી સુરત મનપાનું તંત્ર દોડતુ થઇ ગયું છે. જો કે, મુખ્યમંત્રીના આદેશ અને મનપા કમિશનરે પોલીસતંત્રને પત્ર લખ્યો. હોવા છતાં આજે પોલીસ બંદોબસ્ત મળ્યો નહોતો છતાં મનપાના માર્કેટ વિભાગે પોલીસ બંદોબસ્ત વિના જ માત્ર મનપાની એસઆરપીની મદદથી શહેરમાંથી કલાકમાં 73 જેટલા રખડતા ઢોર પકડી પાડ્યા છે. પોલીસ બંદોબસ્ત મળે તો આ કામગીરી વધુ આક્રમક બનશે.
સોમવારથી મનપાના માર્કેટ વિભાગે 22 ટીમ રખડતા ઢોર પકડવા માટે મેદાનમાં ઉતારી દીધી છે. પરંતુ અનેક જગ્યાએ પશુપાલકો સાથે ઘર્ષણ થઇ રહ્યું છે અને પોલીસ બંદોબસ્ત ફાળવાયો નથી તેથી આ કામગીરી ધીમી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાને વિડિયો કોન્ફરન્સ દ્વારા રખડતા ઢોર સામે આક્રમક કામગીરી કરવા માટે આદેશ આપવામા આવ્યો હતો. આ આદેશ બાદ પાલિકાની 9-9 ટીમ સવાર અને બપોર એમ બે પાળીમાં ઢોર પકડવાની કામગીરી કરી રહી છે. જયારે બે ટીમો રાતની પાળીમાં કામે લાગી છે. જેના અંતર્ગત ગઇકાલે બપોરથી રાત્રે દશ વાગ્યા સુધીમાં 35 અને સવારથી સાંજ સુધીમાં વધુ 38 ઢોર પકડી પાડવામાં આવ્યા છે.