પાંડેસરામાં અકસ્માત થતા ધો.10ની વિદ્યાર્થીનીને ઇજા : દાખલ થતા પરીક્ષા નહીં આપી શકી
શહેરમાં હાલમાં બોર્ડની(Board) પરીક્ષાઓ ચાલી રહી છે.જુદા જુદા વિસ્તારોની સ્કૂલોમાં આવેલા પરીક્ષા (Exam) કેન્દ્રોમાં વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.દરમિયાન પાંડેસરા વિસ્તારમાં રહેતી બે પિતરાઈ બહેનો આજે સવારે પરીક્ષા આપવા જઈ રહી હતી.ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.રિક્ષાની ટક્કરને કારણે બને વિધાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી.જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.એકને ગંભીર ઈજા થવાને કારણે વોર્ડમાં દાખલ કરવામાં આવતા તે પરીક્ષા આપી નહીં શકી હતી.જ્યારે અન્ય વિધાર્થીનીને સારવાર બાદ રજા આપી દેવામાં આવતા તે પરીક્ષા આપવા માટે જઈ સકી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ પ્રમુખ પાર્ક શિવ ટાવર ખાતે રહેતી ક્રિમા મહેશ પટેલ (ઉ.વ.15 ) હાલમાં દશમાં ધોરણની પરીક્ષા આપી રહી છે.આજે તેનું અંગ્રેજીનું પેપર હતું.આજે સવારે તે પિતરાઈ બહેન ધ્રુવી સાથે પિતાની બાઈક ઉપર પાંડેસરા ખાતે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા જવા માટે નીકળી હતી.તેઓ ભેસ્તાન નવજીવન હોંડા સર્કલ પાસે આવેલ સિદ્ધાર્થ નગર કેનાલ પાસેથી પસાર થઇ રહ્યા હતા.ત્યારે એક રીક્ષા ચાલકે ટક્કર મારતા ત્રણેને ઈજાઓ પહોંચી હતી.તેઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં જાણવા મળ્યું હતું કે ક્રિમાને વધુ ઈજા હોવાને કારણે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.જેને પગલે તે પરીક્ષા આપવા માટે જઈ નહિ સકી હતરી અને તેને બહુ અફસોસ થયો હતો.જોકે ધ્રુવીને જરૂરી સારવાર આપ્યા બાદ રજા મળી જતા તે પરીક્ષા આપવા માટે પહોંચી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.