સુરત: સુરતમાં હવે મીઠાઈ વિક્રેતાએ બનાવી પાણીપુરી ના ફ્લેવર વાળી કાજુ કતરી.

કોઈપણ તહેવાર હોય, મહેમાનોનું મોઢું મીઠું કરાવ્યા વગર કેમ ચાલે. હવે ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનો ગણાતો સંબંધ રક્ષાબંધન નજીક છે ત્યારે સુરતના એક મીઠાઈ વિક્રેતા દ્વારા પાણીપુરી ફ્લેવરની મીઠાઈ તૈયાર કરવામાં આવી છે. આ મીઠાઈ વિક્રેતાનું કહેવું છે કે બહેનોને સામાન્ય રીતે પાણીપુરીનો સ્વાદ ખૂબ જ ભાવતો હોય છે અને એટલા માટે તેઓ કંઈક યુનિક લઈને આવવા માંગતા હતા. જેને ધ્યાનમાં રાખીને તેઓએ આ વર્ષે પાણીપુરી ફ્લેવરની મીઠાઈ તૈયાર કરી છે. પાણીપુરી ફ્લેવરની કાજુકતરી નો આ ભાવ પણ સામાન્ય કાજુકતરી કરતા થોડો મોંઘો છે પરંતુ તેનો સ્વાદ લોકોને પસંદ પડે તેવો છે.
આ એ જ મીઠાઈ વિક્રેતા છે જેમના દ્વારા આ પહેલા પણ ગોલ્ડ પ્લેટેડ ઘારી અને બચપન કા પ્યાર જેવી બબલગામ મીઠાઈ તૈયાર કરવામાં આવી હતી. જે પણ સુરતના લોકોએ ખુબ પસંદ કરી હતી. પરંતુ આ રક્ષાબંધનમાં લોકોને આકર્ષવા માટે તેમના દ્વારા પાણીપુરી ફ્લેવરની કાજુકતરી તૈયાર કરવામાં આવી છે.
મીઠાઈ વિક્રેતા ઉમેર્યું હતું કે દર વર્ષે લોકો તેમની પાસે કંઈક નવીન ફ્લેવરની અપેક્ષા રાખતા હોય છે અને જેને પહોંચી વળવા માટે તેમના દ્વારા પણ દર વર્ષે નવા પ્રયોગો કરવામાં આવતા હોય છે. ગયા વર્ષે બચપન કા પ્યાર નામની બબલગામ ફ્લેવરની મીઠાઈ તૈયાર કરવામાં આવી હતી. જે ખાસ કરીને બાળકોને ખૂબ પસંદ પડી હતી. ત્યારે આ વર્ષે રક્ષાબંધનમાં બહેનોને ભાવતી પાણીપુરી ના ફ્લેવર વાળી મીઠાઈ તૈયાર કરવામાં આવી છે જે પણ લોકોને પસંદ પડશે તેવી તેમને અપેક્ષા છે.
તેઓએ ઉમેર્યું હતું કે આ વર્ષે દૂધ, સૂકા મેવા, કાચો માલ, મજૂરી, જીએસટીમાં વધારો વગેરે કારણે થોડો મીઠાઈના ભાવમાં પણ વધારો થયો છે. પરંતુ સુરતીઓ તહેવારોને ઉજવવા માટે ક્યારેય પાછી પાની કરતા નથી. એટલે આ વર્ષે પણ રક્ષાબંધનના તહેવારમાં મીઠાઈની સારી ખરીદી થશે તેવું તેઓએ જણાવ્યું છે