પરંપરાગત રાખડી સાથે આ વર્ષે ભાઈને ખરાબ નજરથી બચાવવા ‘ઈવેલ આઈ’ રાખડીની ખરીદીનો ટ્રેન્ડ

રક્ષાબંધનના તહેવાર નજીક આવી રહ્યો છે તેમ રાખડી ધંધામાં ઘરાકી નીકળી રહી છે. જોકે, છેલ્લા કેટલાક વખતથી પરંપરાગત રેશમની રાખડીને બદલે ડિઝાઈનર અને ફેશનેબલ રાખડીનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડમાં આ વર્ષે ભાઈને કોઈ બુરી નજર ન લાગે તે માટે ઈવેલ આઈ નામની રાખડીનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.આ ઉપરાંત આ વર્ષે રુદ્રાક્ષની રાખડીની પણ ડિમાન્ડ થઈ રહી છે.
આગામી દિવસમાં બહેન ભાઈની લાગણીઓને વાચા આપતો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે કોરોના બાદ આ વર્ષે લોકો અન્ય તહેવારની જેમ રક્ષાબંધનનો તહેવાર પણ ધામધુમથી ઉજવવા માટે તૈયારી કરી રહ્યાં છે તેના કારણે હાલ રાખડીની દુકાન પર ઘરાકી નીકળતા વેપારીઓ ખુશ થઈ રહ્યા છે. રાખડીના ધંધામાં માર્જિન વધુ હોવાથી સુરતના ફુટપાટ થી માંડીને મોલ સુધી રાખડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
રાખડીના વેપારી પ્રજ્ઞેશ ઠક્કર કહે છે, આ વર્ષે રાખડી બજારમાં ઈવેલ આઈ રાખડીની ડિમાન્ડ વધી છે. આ રાખડી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોવાનું કહેવાય છે. જેમાં આ રાખડીમાં સીરામીક નું મોતી બ્લુ કલરનું હોય છે તેમાં કાળા રંગની આંખ બનાવવામા આવી છે. આ રાખડીના કારણે ભાઈને કોઈ બુરી નજર લાગતી નથી. આવા પ્રકારની માન્યતાના કારણે આ રાખડીનો ટ્રેન્ડ શરૂ થયો છે. રાખડીના અન્ય વેપારી રાજુભાઈ કહે છે, પરંપરાગત રેશમની દોરીની રાખડી ઘણાં ઓછા લોકો લઈ જાય છે પરંતુ હાલમાં રુદ્રાક્ષ, જેકો મોતીની સાથે સાથે લટકણીયા અને બ્રેસલેટ જેવી રાખડીનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘરાકી સારી નીકળી હોવાથી વેપારીઓ પણ ખુશ છે.